Back

ADHD શું છે?

ADHD શું છે?

ADHD શું છે?

ADHD બાળપણમાં જોવા મળતી એક સામાન્ય માનસિક તકલીફ છે, જે ઘણીવાર આજીવન પણ રહી શકે છે. ADHD માં મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થવી, વધારે પડતી ચંચળતા હોવી, આવેગવશ થઇ ને ક્રિયાઓ કરવી (પરિણામ વિશે વિચાર્યા વગર જ), વગેરે લક્ષણો જોવા મળે છે. 

પ્રમાણ :

પ્રાથમિક શાળાના 7-12% બાળકોમાં ADHD ની  તકલીફ જોવા મળે છે. 

છોકરીઓ કરતા છોકરાઓમાં આ તકલીફ બમણા પ્રમાણમાં હોય છે. 

લક્ષણો:

ADHD વાળા બાળકોમાં inattentionના  અથવા hyper-activity/impulsivityના  અથવાતો  બંનેના લક્ષણો હોય શકે છે. 

Inattention (ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ):

  • પોતાના કાર્ય કરતા આજુબાજુની વસ્તુઓમાં ધ્યાન દોરાઈ જવું 
  • વિચારોમાં ખોવાયેલા રહેવું 
  • વાત નહીં સાંભળવી, વારેવારે બોલાવવા પડે, “ધ્યાન-બહેરા” હોવું 
  • વસ્તુઓની ગોઠવણ કરવાની, સંગઠન કરવાની ક્ષમતા ઓછી હોવી 
  • સમયનું આયોજન કરી શકવાનો અભાવ હોવો 
  • ધ્યાન પૂર્વક કરવાના કાર્યો કરવામાં તકલીફ પડવી, દા.ત. શાળાનુ કાર્ય, ઘરકામ, વગેરે અધુરુ રહી જવું 
  • ભૂલી જવું, વસ્તુઓ વારેવારે ખોવાઈ જવી
  • નાની નાની વસ્તુઓ માં બેધ્યાન હોવાને લીધે  ભુલો  પડવી, 

Hyperactivity/Impulsivity (વધારે પડતી ચંચળતા/આવેગ):

  • એક જગ્યાએ લાંબો સમય શાંતિથી બેસી નહીં શકવું
  • બૈઠા બૈઠા સળવળ્યા કરવું કે હાથ-પગ હલાવ્યા કરવા  
  • દોડાદોડી કરવી, ગમે ત્યાં ઉપર ચઢી જવું 
  • સતત મસ્તી કરવી, અડપલાં કરવા, વગેરે 
  • રાહ નહીં જોઈ શકવી, દરેક વાત માં ઉતાવળ કરવી 
  • તરત ગુસ્સે થઇ જવું, પોતાના આવેગ પર કાબૂ નહીં રાખી શકવો 
  • ખૂબ બોલબોલ કરવું, બીજાની વાત વચ્ચેથી કાપવી 

ઉપરના લક્ષણો ઓછા-વધતાં અંશે મોટાભાગના બાળકોમાં જોવા મળે છે, પણ ADHD ના નિદાન અમુક જ બાળકોમાં થઇ શકે, જ્યાં:

  1. ઉપરોક્ત લક્ષણો ઓછામાંઓછા ૬ મહિના સુધી દેખાયા હોય 
  2. બેધ્યાનપણું કે વધારે પડતી ચંચળતાના ગંભીર લક્ષણો ૧૨ વર્ષની આયુ સુધીમાં જોવા મળ્યા હોય.
  3. આ લક્ષણો ઓછામાંઓછા ૨ અલગ-અલગ માહોલ માં જોવા મળે દા.ત. ઘર, શાળા, સામાજિક સ્થળ વગેરે 

 ADHD થવાના કારણો :

  • ADHD ની તકલીફમાં genetics મોટો ભાગ ભજવે છે, આ બીમારી વારસાગત પણ હોય શકે છે. 
  • ગર્ભાવસ્થા દરમ્યાન બીમારીઓ થવી, કે પ્રસુતિ વખતે તકલીફો થવી, આ પરિબળો ADHD વાળા બાળકો ની history માં ઘણીવાર જોવા મળે છે, પણ એ ADHD થવા માટે જવાબદાર છે કે નહિ, એ કેહવું મુશ્કેલ છે. 
  • વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે ADHD વાળા લોકોના મગજના અમુક ભાગ માં રાસાયણીક અસંતુલન જોવા મળ્યું છે, ખાસ કરી ને dopamine અને nor-epinephrine નું. 
  • નીચેની માન્યતાઓ જે લોકો માં પ્રચલિત છે એ વિજ્ઞાન દ્વારા પુરવાર નથી થઇ !!! જેમ કે :
  1. ખુબ ગળ્યું ખાવાથી,
  2. ખુબ TV જોવાથી કે mobile વાપરવાથી ,
  3. માબાપ ની અયોગ્ય કેળવણી થી,
  4. ગરીબીથી કે પરિવારમાં કંકાશ હોવાથી 

ADHD ની બીમારી જન્મ લે છે !!!!!! આ સ્થિતિઓમાં ADHD ના લક્ષણો વધી ચોક્કસ શકે પણ ADHD ની બીમારી આ કારણોથી નથી ઉદ્ભવતી.

 ADHD થી થતી અસરો :

પરિવાર પર :

પરિવારમાં એક બાળકને ADHD હોય તો સમગ્ર પરીવાર્ પર એની નકારાત્મક અસરો થતી હોય છે. આવા બાળકો ઉપર કુટુંબીજનો એ બહુ જ બધો સમય અને ઊર્જા ખર્ચવા પડતા છે જેના લીધે ઘર માં હંમેશા એક તણાવજનક વાતાવરણ રહેતું હોય છે. વળી, શાળામાંથી, અડોસપડોસ માંથી, બીજા વાલીઓની ફરિયાદો આવવી એ ADHD માં ખુબ સામાન્ય વાત છે.

આવા બાળકને ઉછેરવામાં માતા-પિતાના દાંપત્યજીવનમાં પણ વધારે કલેશ-વિવાદો સર્જાઈ શકે છે. 

બીજું બાળક નોર્મલ હોય એના પર પણ ધ્યાન ઓછું થઇ શકે કારણકે મોટાભાગનો સમય ADHD વાળા બાળકમાં જ જતો રહે છે.

બાળક :પર

તો બીજી બાજુ બાળક પોતે બેધ્યાન હોવાના લીધે અભ્યાસ માં પાછળ રહી શકે છે. કમનસીબે આ બાળકો જાણે-અજાણે  તેમના વાલીઓ, શિક્ષકો, મિત્રો વગેરે ના ગુસ્સા, રોક-ટોક, મહેણા-ટોણા, અવગણના, હાસ્ય નો ભોગ બનતા હોય છે કારણકે તેઓ આ બીમારી સમજી શકતા નથી અને માને છે આ બાળકો જાણીજોઈ ને જ આવું વર્તન કરે છે.

પછી શું થાય છે?

ઘણાં બાળકોમાં  કિશોરાવસ્થા માં પ્રવેશવાની સાથે સાથે લક્ષણોમાં ઘટાડો જોવા મળે છે. ચંચળતા જતી રહે છે પણ ધ્યાન-એકાગ્રતા ની તકલીફ અમુક  બાળકો માં રહી જાય છે અને પુખ્તવય માં પણ રહે છે.

સારવાર:

મોટાભાગ ના કેસમાં દવાઓ તથા  behavior therapy ના ઉપયોગથી બાળકના લક્ષણો નિયંત્રણમાં લાવી શકાય છે.

દવાઓ ADHD ના મૂળભૂત લક્ષણો પર કામ કરે છે, જેમકે એકાગ્રતા વધારવી, ચંચળતા-આવેગ ઘટાડવા. 

Behavior therapy માં સારા, ઇચ્છનીય વર્તન ને પ્રોત્સાહન આપવું તેમજ ખરાબ/અનિચ્છનીય વર્તનને ઘટાડવા .. આ હેતુ હોય છે. Behavior therapy માં આ trainings નો સમાવેશ થાય છે 

  • બાળક સાથે કેવી રીતે વર્તવું... માટે વાલીઓની training
  • બાળકોને પોતાને જ વર્તન માટે training 
  • બાળક માટે શાળાના વર્ગમાં  કરી શકાતા  પ્રતિકુળ ફેરફાર

 

વાલીઓ માટેના “Do’s” (આવું કરો ):

  • બાળકના રોજીંદા જીવનની પ્રવૃત્તિઓને શિસ્તબદ્ધ ગોઠવો 
  • મોટા કામોને બાળક માટે નાના નાના કામો માં વિભાજીત કરો 
  • પૂરતી ઊંઘ, પોષક આહાર પર ભાર મુકો 
  • નિયમિત કસરત માટે પ્રોત્સાહન આપો 
  • ધ્યાનને વિચલિત કરતી વસ્તુઓ દૂર રાખો.
  • તમે પોતે શાંત અને હકારાત્મક રહો.

 

વાલીઓ માટેના “Don’ts” (આવું ન કરો):

  • નાની નાની વાતને બહુ મોટું સ્વરૂપ ના આપો 
  • બાળક પર વધારે પડતો ગુસ્સો ન કરો
  • લક્ષણો માટે બાળકને જવાબદાર ન ગણો 
  • “તું જાણીજોઈને આવું કરે છે”, “તું સાવ નકામો છે” વગેરે જેવા વાક્યો વાપરવાનું ટાળો.

P.Sબાળક TV/કમ્પ્યુટર/mobile માં કલાકો વિતાવી શકે એનો અર્થ એવો નથી કે તેને ADHD ના જ હોય.